Morbi Spa Rules: મોરબીમાં સ્પા પાર્લર માટે કડક નિયમો, CCTV અને કર્મચારીઓની વિગતો ફરજિયાત
Monday, 24 Aug 2026 | 07:11 AM

Morbi Spa Rules: મોરબીમાં સ્પા પાર્લર માટે કડક નિયમો, CCTV અને કર્મચારીઓની વિગતો ફરજિયાત

મોરબીમાં સ્પા અને મસાજ પાર્લર સંચાલકો માટે નવા નિયમો જાહેર કરાયા. CCTV, કર્મચારીઓની સંપૂર્ણ વિગતો અને પોલીસમાં નોંધણી ફરજિયાત, 31 જુલાઈ 2026 સુધી અમલ.

Author image
Kutchh Uday
Morbi Spa Rules

મોરબીમાં સ્પા અને મસાજ પાર્લરના નિયમન માટે જાહેરનામું

મોરબી જિલ્લામાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં સંભવિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચરે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના હેતુથી સ્પા અને મસાજ પાર્લર સંચાલકો માટે અનેક નિયમો ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

જાહેરનામામાં જણાવાયું છે કે રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં ચાલતા કેટલાક સ્પા અને મસાજ પાર્લરોની આડમાં નશીલા પદાર્થોનું સેવન અને દેહવ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવાની શક્યતા રહે છે. આવા બનાવોને રોકવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

CCTV અને રેકોર્ડિંગ રાખવું ફરજિયાત

હવે મોરબી જિલ્લાના તમામ સ્પા અને મસાજ પાર્લરોમાં પ્રવેશદ્વાર, રિસેપ્શન અને કોમન એરિયામાં ફોટોગ્રાફી તથા રેકોર્ડિંગ સુવિધા ધરાવતા CCTV કેમેરા લગાવવા ફરજિયાત રહેશે. CCTVનું રેકોર્ડિંગ ઓછામાં ઓછું ત્રણ મહિના સુધી સાચવી રાખવું પડશે. જરૂર પડ્યે આ રેકોર્ડિંગ સંબંધિત પોલીસ સ્ટેશનને ઉપલબ્ધ કરાવવું પડશે.

કર્મચારીઓની સંપૂર્ણ વિગતો પોલીસને આપવી પડશે

જાહેરનામા મુજબ સ્પા અને મસાજ પાર્લર સંચાલકોએ પોતાના એકમમાં કાર્યરત તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે. તેમાં કર્મચારીનો ફોટોગ્રાફ, હાલનું સરનામું, મૂળ વતનનું સરનામું, સંપર્ક નંબર અને અન્ય ઓળખ સંબંધિત વિગતોનો સમાવેશ થશે.

વિદેશી નાગરિકો કામ કરતા હોય તો તેમના પાસપોર્ટ, વિઝા અને ભારતમાં રહેવાની વિગતો પણ ફરજિયાત રીતે રજૂ કરવાની રહેશે.

સંચાલકો માટે પણ ઓળખના દસ્તાવેજો જરૂરી

સ્પા અથવા મસાજ પાર્લર ચલાવનાર વ્યક્તિએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ચૂંટણી ઓળખપત્ર જેવા દસ્તાવેજો રજૂ કરવા પડશે. તમામ વિગતો સાક્ષીની સહી સાથે નોંધાવવાની રહેશે.

પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલી માહિતીની બે નકલો આપવાની રહેશે. જેમાંથી એક નકલ પોલીસ દ્વારા સ્વીકૃતિની સહી અને સિક્કા સાથે પરત આપવામાં આવશે, જે સંચાલકે રેકોર્ડ તરીકે સાચવી રાખવાની રહેશે.

31 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે આદેશ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ આ જાહેરનામું 31 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. આ દરમિયાન કોઈપણ સ્પા અથવા મસાજ પાર્લર સંચાલક જાહેરનામાની જોગવાઈઓનું પાલન નહીં કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તે શિક્ષાને પાત્ર ગણાશે.

જિલ્લા તંત્રનું માનવું છે કે આ પગલાથી સ્પા અને મસાજ પાર્લરોમાં પારદર્શિતા વધશે તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાશે.

Related News