મોરબી સિરામિક ઉદ્યોગમાં શ્રમિકો સાથે ઘોર અન્યાય: વળતરના આદેશ છતાં કાર્યવાહી શૂન્ય, કંટાળેલા પીડિતો ગાંધીનગરના શરણે
મોરબી સિરામિક ઉદ્યોગમાં સિલિકોસિસનો ભોગ બનેલા શ્રમિકોને વળતર ન મળતા ત્રણ પરિવારોએ ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. વળતરની રાહમાં એક કામદારનું મોત નીપજ્યું છે.
મોરબી, 01 જૂન 2026: મોરબીના સિરામિક ઉદ્યોગોમાં કામ કરતા ગરીબ મજૂરોના સ્વાસ્થ્ય અને તેમના કાયદેસરના હક્કોનું રક્ષણ કરવામાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય (DISH) કચેરી સદંતર નિષ્ફળ નીવડી હોવાનો આક્રોશ સામે આવ્યો છે. સિરામિક ફેક્ટરીઓમાં ઉડતી સિલિકા ડસ્ટને કારણે જીવલેણ 'સિલિકોસિસ' રોગનો ભોગ બનેલા કામદારોના વળતર બાબતે મોરબી કચેરીની ઢીલી નીતિ જોવા મળી છે. આ પરિસ્થિતિથી કંટાળીને આજે ત્રણ પીડિત પરિવારોએ ગાંધીનગર ખાતે સચિવ લોચન સેહરા સમક્ષ રૂબરૂ પહોંચીને લેખિત ફરિયાદો નોંધાવી ન્યાયની ગુહાર લગાવી છે.
કચેરીએ વળતર નક્કી કર્યું, પણ કંપનીઓ સામે ન લીધા કડક પગલાં
અરજદારોની લેખિત રજૂઆત મુજબ, મોરબી DISH કચેરી દ્વારા જ માર્ચ 2026માં ત્રણેય કામદારોનું વળતર નક્કી કરવામાં આવ્યું હતું. સંબંધિત કંપનીઓને 15 દિવસમાં આ રકમ જમા કરાવવા લેખિત આદેશો પણ કરાયા હતા. જેમાં નક્કી થયેલું વળતર નીચે મુજબ હતું:
સોનેટ સેનેટરીવેર (રમેશભાઈ રાઠોડ): રૂ. 14,38,200/-
નોબેલ ઇન્ડસ્ટ્રીઝ (સ્વ. મેરુભાઈ કણજારીયા): રૂ. 12,20,040/-
સિમ્પોલો વિટ્રીફાઈડ (મીઠાભાઈ સોલંકી): રૂ. 14,67,630/-
સરકાર દ્વારા અપાયેલી સમયમર્યાદા વીતી ગઈ હોવા છતાં સંબંધિત કંપનીઓએ હજુ સુધી એક પણ રૂપિયો જમા કરાવ્યો નથી. આ બાબતે મોરબી કચેરીએ કંપનીઓ સામે કોઈ કાયદેસરનો દાવો કે કડક કાર્યવાહી ન કરતા તંત્રની ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થયા છે.
વળતરની રાહ જોવામાં એક કામદારે જીવ ગુમાવ્યો
તંત્રની આ ઘોર બેદરકારીનું સૌથી કરુણ પરિણામ એ આવ્યું છે કે, નોબેલ ઇન્ડસ્ટ્રીઝના શ્રમિક મેરુભાઈ કણજારીયાનું વળતર મળે તે પહેલાં જ સીલીકોસીસની બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું છે. ન્યાય મેળવવા માટે તેમના પુત્રએ 10થી વધુ વાર કચેરીના રૂબરૂ ધક્કા ખાધા હોવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. આવી જ રીતે અન્ય પીડિત મીઠાભાઈ સોલંકીએ પણ કચેરીના 8થી વધુ ફેરા માર્યા છે, છતાં સરકારી અધિકારીઓ કોઈ જ સંતોષકારક જવાબ આપતા નથી. શારીરિક અને આર્થિક રીતે સંપૂર્ણ ભાંગી પડેલા આ પરિવારોને સરકારી કચેરીના ચક્કર કાપવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.
ઉચ્ચ કક્ષાએ પીડિતોની 4 મુખ્ય માંગણીઓ:
તાત્કાલિક કેસ દાખલ કરો: કંપનીઓએ નિયત સમયમાં રકમ જમા ન કરાવી હોવાથી, સરકારના પરિપત્ર મુજબ વળતર કમિશનર સમક્ષ કંપનીઓ વિરુદ્ધ કાયદેસરનો વળતર દાવો તાત્કાલિક દાખલ કરવામાં આવે.
જવાબદાર અધિકારીઓ પાસે ખુલાસો: વળતર અપાવવામાં અને દાવો દાખલ કરવામાં નિષ્ક્રિયતા દાખવનાર મોરબી DISH કચેરીના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરી તેમની પાસે ખુલાસો માંગવામાં આવે.
વ્યાજ અને પેનલ્ટી સાથે ચૂકવણી: તમામ પીડિત શ્રમિકોને તેમના કાયદેસરના હક મુજબનું વળતર, વિલંબ બદલ વ્યાજ અને પેનલ્ટી ઉમેરીને તાત્કાલિક ચૂકવવામાં આવે.
શ્રમિકો માટે વીમો ફરજિયાત કરો: ભવિષ્યમાં અન્ય કોઈ કામદારે આ રીતે રઝળવું ન પડે તે માટે તમામ ઔદ્યોગિક એકમોને 'કામદાર વળતર ધારા' (Workmen's Compensation Act) હેઠળનો વીમો ખરીદવાની કડક સૂચના આપવામાં આવે. આ ઉપરાંત, જો કામદારો ઇ.એસ.આઇ. (ESI) કાયદા હેઠળ આવરી શકાય તેવા હોય, તો તેમને ફરજિયાત કવરેજ આપી ઓળખપાર્ડ કઢાવી આપવામાં આવે.
જો આ ગંભીર બીમારીથી પીડાતા અને આર્થિક રીતે લાચાર શ્રમિકોને સત્વરે ન્યાય નહીં મળે, તો આગામી દિવસોમાં તેમની સ્થિતિ વધુ કફોડી બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે.