Gujarat Monsoon Update: 25 જૂન પછી ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની શક્યતા
Wednesday, 24 Jun 2026 | 04:54 AM

Gujarat Monsoon Update: 25 જૂન પછી ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની શક્યતા

ગુજરાતમાં 25 જૂન પછી ચોમાસું સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રથી 900 કિ.મી. દૂર અટકેલું મોન્સૂન ફરી ગતિ પકડશે.

gujarat monsoon update 25 june rain forecast
Author image
Kutchh Uday

ગુજરાતમાં 25 જૂન પછી ચોમાસું સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રથી 900 કિ.મી. દૂર અટકેલું મોન્સૂન ફરી ગતિ પકડશે.

ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. કેન્દ્રીય મોસમ વિજ્ઞાન વિભાગના વિવિધ મોડેલોના આધારે મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી વિધિવત ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા ઓછી છે. જોકે 25 જૂન પછી પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે અને ગુજરાતમાં ચોમાસું સક્રિય બનવાના સંજોગો ઉભા થઈ રહ્યા છે.

હાલમાં નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં અટવાઈ ગયું છે. 4 જૂને કેરળમાં પ્રવેશ્યા બાદ 8 જૂને મહારાષ્ટ્ર સુધી પહોંચેલું ચોમાસું છેલ્લા ઘણા દિવસોથી આગળ વધી શક્યું નથી. અનુકૂળ હવામાન પરિબળોના અભાવે મોન્સૂનની ગતિ ધીમી પડી છે અને તે હજુ સુધી મુંબઈ સુધી પણ પહોંચી શક્યું નથી.

સૌરાષ્ટ્રથી 900 કિ.મી. દૂર અટક્યું મોન્સૂન

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં ચોમાસું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી અંદાજે 900 કિલોમીટર દૂર સ્થિર છે. આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મોસમી સિસ્ટમ ફરી સક્રિય બને તેવી શક્યતા છે. ત્યારબાદ તે ઓડિશા, તેલંગાણા અને મધ્ય ભારત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી માટે અનુકૂળ માહોલ સર્જાઈ શકે છે.

જોકે આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં સક્રિય રહેલા El Ninoની અસરને કારણે સમગ્ર દેશમાં વરસાદના વિતરણ પર અસર પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે રાજ્યમાં કુલ વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછો રહેવાની શક્યતા છે.

આગામી સાત દિવસ દરમિયાન ક્યાં પડશે વરસાદ?

વિધિવત ચોમાસું હજુ દૂર હોવા છતાં રાજ્યમાં Pre Monsoon Activity સક્રિય બની રહી છે. તેના કારણે આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ અને નર્મદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

મધ્ય ગુજરાતમાં વરસાદે જમાવી રંગત

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારના પ્રથમ છ કલાકમાં જ 46 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના ગલતેશ્વરમાં 3 ઇંચ નોંધાયો હતો. પંચમહાલના કાલોલ અને ગોધરામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત છોટાઉદેપુરના બોડેલીમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. વડોદરા જિલ્લાના ડેસરમાં દોઢ ઇંચ જ્યારે દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ખેડૂતો માટે રાહતના સમાચાર

ખેડૂતો માટે સૌથી મહત્વની વાત એ છે કે 25 જૂન પછી ચોમાસું ગતિ પકડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો આગામી દિવસોમાં મોસમી પરિબળો અનુકૂળ રહેશે તો જૂનના અંતિમ સપ્તાહમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે.

Related News