Surat News: પ્રેમ લગ્નની સજા મોત પછી પણ! સુરતમાં યુવતીની લાશ ત્રણ દિવસથી સ્વજનોની રાહમાં
Monday, 24 Aug 2026 | 07:14 AM

Surat News: પ્રેમ લગ્નની સજા મોત પછી પણ! સુરતમાં યુવતીની લાશ ત્રણ દિવસથી સ્વજનોની રાહમાં

Surat News: પ્રેમ લગ્ન કરનાર 22 વર્ષીય રીના બારૈયાના મોત બાદ પણ પિયર અને સાસરી પક્ષે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. બે વર્ષની બાળકી અનાથ બની.

Author image
Kutchh Uday
surat love marriage woman body awaits family

Surat News: પ્રેમ લગ્ન કરનાર 22 વર્ષીય રીના બારૈયાના મોત બાદ પણ પિયર અને સાસરી પક્ષે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. બે વર્ષની બાળકી અનાથ બની.

સુરતમાંથી માનવતાને હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. પ્રેમ લગ્ન કર્યા બાદ પરિવારથી દૂર થઈ ગયેલી 22 વર્ષીય રીના બારૈયાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. જોકે ઘટનાનો સૌથી કરુણ પાસો એ છે કે યુવતીના મોતના ત્રણ દિવસ બાદ પણ તેના મૃતદેહને સ્વીકારવા માટે પિયર કે સાસરી પક્ષમાંથી કોઈ આગળ આવ્યું નથી. પરિણામે મૃતદેહ હજુ સુધી સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

મૂળ ભાવનગરની રહેવાસી રીના બારૈયાએ ત્રણ વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. આ નિર્ણય બાદ પિયર અને સાસરી પક્ષ સાથેના સંબંધો લગભગ તૂટી ગયા હતા. ચાર મહિના પહેલા જ કિડનીની બીમારીને કારણે તેના પતિનું અવસાન થયું હતું. પતિના મૃત્યુ બાદ રીના પોતાની નાની દીકરી સાથે એકલી પડી ગઈ હતી.

પરિવારનો સહારો ન મળતા અને આર્થિક તેમજ માનસિક સંઘર્ષ વચ્ચે જીવતી રીના ગત 15 જૂને સુરત આવી હતી. મંગળવારે સવારે વરાછા વિસ્તારમાં આવેલા ઉમીયા ધામ અતિથિ ગૃહમાં તેણે ઝેરી દવા પી લીધી હતી. મૃત્યુ પહેલા તેણે મેનેજરના ફોન પરથી પોતાના પિતાને ફોન કરી કહ્યું હતું કે, "પપ્પા, મેં ઝેર પી લીધું છે."

મૃતદેહ સ્વીકારવા બંને પરિવારે કર્યો ઇનકાર

પોલીસે રીનાના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. જોકે રીનાના પિતાએ મૃતદેહ લેવા આવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સાસરી પક્ષે પણ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે.

પરિવારના આ વલણને કારણે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે. ત્રણ દિવસથી વધુ સમય વીતી જવા છતાં મૃતદેહ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે. જો આગામી દિવસોમાં કોઈ પરિવારજન મૃતદેહ સ્વીકારશે નહીં તો નિયમ મુજબ પોલીસ અને સામાજિક સંસ્થાઓની મદદથી અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બે વર્ષની બાળકી પર તૂટ્યો દુઃખનો પહાડ

આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ અસર રીનાની બે વર્ષની બાળકી પર પડી છે. ચાર મહિના પહેલા પિતાને ગુમાવનાર બાળકી હવે માતાની છત્રછાયા પણ ગુમાવી ચૂકી છે.

હાલ બાળકીને સુરતની શિશુગૃહ સંસ્થામાં રાખવામાં આવી છે. સંસ્થાના સંચાલકોના જણાવ્યા અનુસાર બાળકી સતત માતાને યાદ કરીને રડી રહી છે અને માનસિક આઘાતમાંથી પસાર થઈ રહી છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બાળકીને કોઈને સોંપી શકાય તેમ નથી.

જેઠે બાળકીની જવાબદારી લેવા વ્યક્ત કરી ઇચ્છા

આ ઘટનામાં આશાનું એક કિરણ પણ સામે આવ્યું છે. રીનાના જેઠે બાળકીની જવાબદારી સ્વીકારવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે બાળકીને કાયમી કસ્ટડી મેળવવા માટે કોર્ટની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

પોલીસ દ્વારા હજુ પણ બંને પરિવારોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલની સ્થિતિમાં એક યુવતીને પ્રેમ લગ્નની સજા જાણે મોત પછી પણ ભોગવવી પડી રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે.

Related News