સીલીકોસીસ વળતર મામલે સિમ્પોલો વિટ્રીફાઈડને નોટિસ, 7 દિવસમાં જવાબ માંગ્યો
Saturday, 30 May 2026 | 09:14 PM

સીલીકોસીસ વળતર મામલે સિમ્પોલો વિટ્રીફાઈડને નોટિસ, 7 દિવસમાં જવાબ માંગ્યો

મોરબીમાં સીલીકોસીસ પીડિત કામદારના વળતર મામલે ઔદ્યોગિક સલામતી કચેરીએ સિમ્પોલો વિટ્રીફાઈડને 7 દિવસમાં જવાબ આપવા નોટિસ પાઠવી, રૂ. 14.67 લાખ વળતર મુદ્દે કાર્યવાહી તેજ.

silicosis compensation notice simpolo vitrified morbi સીલીકોસીસ વળતર મામલે સિમ્પોલો વિટ્રીફાઈડને નોટિસ
Author image
Kutchh Uday

મોરબી જિલ્લામાં સીલીકોસીસ પીડિત કામદાર મીઠાભાઈ પૂજાભાઈ સોલંકીના વળતર મામલે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, મોરબી દ્વારા સિમ્પોલો વિટ્રીફાઈડ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચેરીએ કંપનીને 7 દિવસની અંદર લેખિત જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે.

નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, મોરબી દ્વારા અગાઉ તા. 20 માર્ચ 2026ના રોજ પત્ર ક્રમાંક ક્રમાક/નાનિ/ઔસસ્વા/મોરબી/2026/459 મારફતે સિમ્પોલો વિટ્રીફાઈડના કબ્જેદારશ્રીને Employees’ Compensation Act, 1923 મુજબ વળતર રકમ જમા કરાવવા સૂચના આપવામાં આવી હતી.

કચેરી દ્વારા નોંધવામાં આવ્યું હતું કે મીઠાભાઈ પૂજાભાઈ સોલંકીને સરકારી મેડિકલ કોલેજ, મોરબી દ્વારા સીલીકોસીસ રોગ થયાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. સીલીકોસીસને વ્યવસાયજન્ય રોગ તરીકે ગણાવી કામદારને વળતર માટે પાત્ર માનવામાં આવ્યા હતા.

આ કેસમાં કચેરીએ વળતરની ગણતરી પણ જાહેર કરી હતી. જેમાં માસિક પગાર રૂ. 15,000, ઉંમર મુજબનો ફેક્ટર 113.09 અને કાયમી અપંગતાની જોગવાઈઓ આધારે કુલ રૂ. 14,67,930નું વળતર નક્કી કરવામાં આવ્યું હતું. કંપનીને 15 દિવસની અંદર ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે રકમ કચેરીમાં જમા કરાવવા જણાવાયું હતું.

ત્યારબાદ તા. 4 મે 2026ના રોજ પત્ર ક્રમાંક ક્રમાક/નાનિ/ઔસસ્વા/મોરબી/2026/670થી સિમ્પોલો વિટ્રીફાઈડ, જૂના ઘુંટુ રોડ, મોરબીના કબ્જેદારશ્રી દિલીપકુમાર ગોરધનભાઈ પટેલને ફરી નોટિસ પાઠવી 7 દિવસમાં લેખિત જવાબ માંગવામાં આવ્યો છે.

આ કાર્યવાહી મીઠાભાઈ સોલંકી દ્વારા તા. 4 ફેબ્રુઆરી 2026ના રોજ કરાયેલી ફરિયાદ અરજી અને તા. 26 એપ્રિલ 2026ના રોજ કરાયેલી લેખિત રજૂઆતના આધારે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

કચેરીએ નોંધ્યું છે કે અરજદારે રજૂ કરેલા બેંક સ્ટેટમેન્ટ મુજબ તા. 19 એપ્રિલ 2021થી વર્ષ 2025 સુધી સિમ્પોલો વિટ્રીફાઈડમાંથી પગાર જમા થતો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત મીઠાભાઈ સોલંકીએ વર્ષ 2010થી કંપનીમાં કામ કરતા હોવાનો દાવો કર્યો છે.

પત્રમાં માનનીય સુપ્રીમ કોર્ટના New India Assurance Co. Ltd. v. Rekha Chaudhary and Others, Civil Appeal No. 174/2026ના 23 ફેબ્રુઆરી 2026ના ચુકાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં Employees’ Compensation Act, 1923ને સામાજિક કલ્યાણ કાયદો ગણાવી વળતર ચૂકવવામાં વિલંબ થાય તો કલમ 4A મુજબ 12 ટકા વ્યાજ અને કલમ 4A(3)(B) મુજબ 50 ટકા સુધીની પેનલ્ટી લાગુ થઈ શકે હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

ઔદ્યોગિક સલામતી કચેરીએ વધુમાં જણાવ્યું છે કે Employees’ Compensation Act, 1923ની કલમ 3(2) તથા Schedule III Part C Item 1 મુજબ સીલીકોસીસ Occupational Disease તરીકે માન્ય છે. જેના કારણે સીલીકોસીસથી પીડિત કામદાર કાયદેસર રીતે વળતર મેળવવા પાત્ર બને છે.

મોરબી જિલ્લામાં સીલીકોસીસ પીડિત કામદારો માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અગાઉ રૂ. 14.67 લાખ વળતર જમા કરાવવા સૂચના આપવામાં આવી હતી અને ત્યારબાદ ફરી 7 દિવસમાં જવાબ માંગતી નોટિસ પાઠવવામાં આવી છે. જોકે હવે આ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કંપની દ્વારા રકમ જમા કરવામાં આવી છે કે નહીં અથવા ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા વળતર કમિશનર સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતી જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે.

Related News