ખનીજ માફિયાઓને ભીંસમાં લેનાર ચોટીલાના પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાની મહીસાગર બદલી
ચોટીલા પંથકમાં ખનીજ માફિયાઓ અને દબાણકારો સામે કડક કાર્યવાહી કરનાર ડેપ્યુટી કલેક્ટર એચ. ટી. મકવાણાની મહીસાગર જિલ્લામાં બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને વડોદરાથી શૈલેષ કલસરીયાની નિમણૂક થઈ છે.
ચોટીલા : ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ પર બ્રેક મારનાર ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાની અચાનક બદલી કરવામાં આવી છે. વહીવટી આદેશ અનુસાર તેમને મહીસાગર જિલ્લામાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમના સ્થાને વડોદરાથી શૈલેષ કલસરીયાને ચોટીલાના નવા પ્રાંત અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. કડક કાર્યવાહી માટે જાણીતા અધિકારીની અચાનક બદલીને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
એચ. ટી. મકવાણાએ ચોટીલા ખાતે પોતાના બે વર્ષના કાર્યકાળ દરમિયાન શિસ્તબદ્ધ અને એક્શન ઓરિએન્ટેડ અધિકારી તરીકેની આગવી ઓળખ ઊભી કરી હતી. ખાસ કરીને ચોટીલા, થાન અને મૂળી તાલુકામાં ચાલતી ખનીજ ચોરી પર તેમણે તવાઈ બોલાવી હતી. આ વિસ્તારોમાં ખનીજ સંપત્તિનું ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે સતત દરોડા અને કાર્યવાહી થતાં ખનીજ માફિયાઓમાં તંત્રની કડકાઈનો સ્પષ્ટ સંદેશ ગયો હતો.
માત્ર ખનન જ નહીં, પરંતુ સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા, લેન્ડ ગ્રેબિંગના કિસ્સાઓ અને બાયોડીઝલના ગેરકાયદે વેચાણ સામે પણ તેમણે આકરા પગલાં લીધા હતા. આ ઉપરાંત, સ્થાનિક નાગરિકોની રજૂઆતો સાંભળીને સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ કરવાની તેમની કાર્યશૈલીને કારણે લોકોમાં પણ તેમના પ્રત્યે સારો પ્રતિસાદ હતો.
આ અધિકારીની મહીસાગર ખાતે બદલી થતાં હવે ચોટીલા પંથકમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તંત્રનું આગામી વલણ કેવું રહેશે તે મોટો સવાલ છે. ચોટીલાના નવા પ્રાંત અધિકારી શૈલેષ કલસરીયા સમક્ષ ખનીજ ચોરી અને જમીન દબાણના પ્રશ્નોને કંટ્રોલમાં રાખવાની સાથે વહીવટી વ્યવસ્થા જાળવી રાખવાનો મુખ્ય પડકાર રહેશે. એચ. ટી. મકવાણાની મહીસાગરમાં નવી કામગીરી અને ચોટીલામાં નવા અધિકારીના કાર્યકાળમાં તંત્ર કેવી કામગીરી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.