PUBG Mobile LIGHT ની સત્તાવાર જાહેરાત: 25 ઓગસ્ટથી પ્રી-રજિસ્ટ્રેશન થશે શરૂ, ભારતીય ગેમર્સ માટે BGMI Lite પણ કન્ફર્મ
PUBG Mobile World Cup 2026 દરમિયાન PUBG Mobile LIGHT ની સત્તાવાર જાહેરાત કરાઈ છે. 25 ઓગસ્ટથી પ્રી-રજિસ્ટ્રેશન શરૂ થશે. ભારતીય ખેલાડીઓ માટે BGMI Lite પણ ટૂંક સમયમાં આવી રહ્યું છે.
ગેમિંગ જગતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે PUBG Mobile LIGHT ની સત્તાવાર જાહેરાત આખરે થઈ ગઈ છે. PUBG Mobile World Cup 2026 ના અંતિમ દિવસે ગેમના પ્રોડ્યુસર રિક લી (Rick Li) દ્વારા આ નવા વર્ઝનની જાહેરાત કરવામાં આવી હતી. આ લાઇટ વર્ઝન ખાસ કરીને એવા ખેલાડીઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે જેઓ પોતાના સ્માર્ટફોનમાં સ્ટોરેજ બચાવવા માંગે છે, ઝડપથી મેચમાં જોડાવા માંગે છે અને ડિવાઇસ પર વધુ લોડ આપવા માંગતા નથી. મૂળ ગેમનો મૂળભૂત અનુભવ જાળવી રાખીને ઓછા સ્ટોરેજમાં આ નવું એપ વર્ઝન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ગ્લોબલ જાહેરાતની સાથે જ ભારતીય મોબાઇલ ગેમર્સ માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. KRAFTON India દ્વારા દેશમાં BGMI LITE ના આગમનની સત્તાવાર પુષ્ટિ કરી દેવામાં આવી છે. ક્રાફ્ટન ઇન્ડિયાએ “You Asked. We Listened. BGMI LITE Coming Soon.” પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે ભારતીય યુઝર્સને પણ બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયાનું હળવું વર્ઝન મળશે.
ગ્લોબલ વર્ઝન માટે PUBG Mobile LIGHT નું પ્રી-રજિસ્ટ્રેશન 25 ઓગસ્ટ 2026 થી શરૂ થવા જઈ રહ્યું છે. ડેવલપર્સ આ વર્ષના અંત સુધીમાં ગેમને ઓફિશિયલી લોન્ચ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે, જોકે ચોક્કસ લોન્ચ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સપોર્ટેડ ડિવાઇસ અને ફાઇનલ રિલીઝ શેડ્યૂલ વિશેની વધુ માહિતી આગામી સમયમાં આપવામાં આવશે.
આ નવા વર્ઝનની સૌથી મોટી વિશેષતા તેની નાની ડાઉનલોડ સાઇઝ છે. એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર આ ગેમ આશરે 1GB અને iOS પર 2GB કરતાં ઓછી સાઇઝમાં ઉપલબ્ધ થશે. ગેમ શરૂ કરતા પહેલાં કોઈપણ વધારાનું મેન્ડેટરી પેકેજ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં, જેથી યુઝર્સ ઇન્સ્ટોલેશન બાદ સીધા જ મેચ રમી શકશે. ખેલાડીઓ પોતાની જરૂરિયાત મુજબ વધારાના મોડ્યુલ્સ પાછળથી ડાઉનલોડ કરી શકશે.
ઓછી સાઇઝ હોવા છતાં ખેલાડીઓને ઓરિજિનલ ગેમ જેવો જ ગેમપ્લે અનુભવ મળશે. તેમાં ક્લાસિક Erangel મેપ, જરૂરી સપ્લાય અને બેટલ રોયલ કોમ્બેટ સિસ્ટમ મુખ્ય ગેમની જેમ જ રાખવામાં આવી છે. હાલના PUBG Mobile ખેલાડીઓ તેમના વર્તમાન એકાઉન્ટનો ઉપયોગ લાઇટ વર્ઝનમાં પણ કરી શકશે અને તેમના ઇન-ગેમ આઉટફિટ્સ તથા આઇટમ્સ સુરક્ષિત રહેશે. આ ઉપરાંત ક્રોસ-વર્ઝન પ્લે ફીચરને કારણે લાઇટ વર્ઝનના યુઝર્સ રેગ્યુલર PUBG Mobile એપ વાપરતા મિત્રો સાથે પણ એક જ ટીમમાં રમી શકશે.
ભારતમાં BGMI Lite ની પુષ્ટિ થતાં જ દેશભરના ગેમર્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, KRAFTON India દ્વારા ભારતમાં BGMI Lite ની ચોક્કસ રિલીઝ ડેટ, પ્રી-રજિસ્ટ્રેશન શેડ્યૂલ કે ડાઉનલોડ સાઇઝની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. 25 ઓગસ્ટની પ્રી-રજિસ્ટ્રેશન તારીખ વૈશ્વિક સ્તરે PUBG Mobile LIGHT માટે છે, જેથી ભારતીય વર્ઝન માટે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. ભારતમાં ગેમનું લોન્ચિંગ, સપોર્ટેડ ડિવાઇસ અને ડાઉનલોડ સંબંધિત સંપૂર્ણ વિગતો કંપની દ્વારા હવે પછીની સત્તાવાર જાહેરાતોમાં સ્પષ્ટ કરવામાં આવશે.