બિહારના અશોકધામ મંદિરમાં નાગ પંચમી પર ભાગદોડ, 7 મહિલા શ્રદ્ધાળુઓનાં મોત અને 12થી વધુ ઈજાગ્રસ્ત
Monday, 24 Aug 2026 | 04:25 AM

બિહારના અશોકધામ મંદિરમાં નાગ પંચમી પર ભાગદોડ, 7 મહિલા શ્રદ્ધાળુઓનાં મોત અને 12થી વધુ ઈજાગ્રસ્ત

બિહારના લખીસરાયમાં આવેલા અશોકધામ મંદિરમાં નાગ પંચમી અને શ્રાવણના ત્રીજા સોમવારે દર્શન કરવા ઉમટેલી ભીડમાં ભાગદોડ મચતા 7 મહિલાઓના મોત થયા છે. અન્ય 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Author image
Kutchh Uday
bihar lakhisarai ashokdham temple stampede 7 women dead

લખીસરાય (બિહાર) : બિહારના લખીસરાયમાં આવેલા અશોકધામ મંદિરમાં નાગ પંચમી નિમિત્તે દર્શન કરવા આવેલી ભીડમાં અચાનક ભાગદોડ મચી જતાં સાત મહિલા શ્રદ્ધાળુઓનાં કરુણ મોત નીપજ્યા છે. શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે મંદિરમાં જળ ચઢાવવા માટે મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તો વચ્ચે કરંટ ફેલાયો હોવાની અફવા ઊડતા આ ગોઝારી ઘટના બની હતી. આ દુર્ઘટનામાં અન્ય 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજુ પણ મૃતકોનો આંકડો વધે તેવી આશંકા સેવાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાતના સમયે રસ્તાની બાજુમાં આવેલો એક ઈલેક્ટ્રિક પોલ વાયર સાથે નીચે પડી ગયો હતો. મંદિરમાં ભીડ નિયંત્રણ માટે ગોઠવાયેલા વાંસના બેરિકેડિંગનો એક ભાગ તૂટીને આ થાંભલા પર અટક્યો હતો, જેના કારણે પોલ ત્રાંસો થઈ ગયો હતો. સોમવારે સવારે જ્યારે અશોકધામ સ્ટેશનથી મંદિર તરફ જતા રસ્તા પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાઈનમાં ઊભા હતા, ત્યારે અચાનક થાંભલો પડવાની અને કરંટ ફેલાઈ ગયાની અફવા ફેલાઈ ગઈ હતી. જીવ બચાવવા માટે લોકોએ દોડધામ શરૂ કરી દેતા વાંસનું બેરિકેડિંગ તૂટી પડ્યું હતું અને અફરાતફરીમાં અનેક શ્રદ્ધાળુઓ એકબીજા પર પડ્યા હતા.

લખીસરાયના ડીએમ શૈલેન્દ્ર કુમારે આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાથી જ ઘટનાસ્થળે હાજર હતા. સવારે લગભગ સાડા છ વાગ્યે ભીડમાં અચાનક ઉછાળો આવ્યો હતો અને બેરિકેડિંગ તૂટવાના કારણે લોકો એકબીજા પર પડ્યા હતા. અશોકધામ હોલ્ટથી લઈને અશોકધામ મંદિર સુધીના આશરે બે કિલોમીટર લાંબા રસ્તા પર આ બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું.

હાલ ડીએમ અને એસપી બંને ઘટનાસ્થળે કેમ્પ કરી રહ્યા છે અને તમામ ઈજાગ્રસ્તોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તથા ભાગદોડ પાછળના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે. આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની હાજરી હોવા છતાં સર્જાયેલી આ દુર્ઘટનાએ ભીડ નિયંત્રણ અને પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Related News