ગુજરાતમાં 144 ડેપ્યુટી કલેક્ટરની સાગમટે બદલી: મોરબીને મળ્યા નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને વાંકાનેર પ્રાંત અધિકારી
Monday, 24 Aug 2026 | 06:12 AM

ગુજરાતમાં 144 ડેપ્યુટી કલેક્ટરની સાગમટે બદલી: મોરબીને મળ્યા નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને વાંકાનેર પ્રાંત અધિકારી

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા 144 ડેપ્યુટી કલેક્ટરની બદલી કરવામાં આવી છે. આ વહીવટી ફેરફારોમાં મોરબી મહાનગરપાલિકાના નવા ડેપ્યુટી કમિશનર, નાયબ ડીડીઓ અને વાંકાનેર પ્રાંત અધિકારીની નિમણૂક કરાઈ છે.

Author image
Snehlata Sinha
ગુજરાતમાં 144 ડેપ્યુટી કલેક્ટરની સાગમટે બદલી: મોરબીને મળ્યા નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને વાંકાનેર પ્રાંત અધિકારી

મોરબી : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યભરમાં વહીવટી માળખામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. વહીવટી હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1 સંવર્ગના કુલ 144 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની સાગમટે બદલીઓના આદેશ જારી કરાયા છે. આ રાજ્યવ્યાપી બદલીઓના દોરમાં મોરબી જિલ્લાના વહીવટી તંત્રમાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. જેમાં મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને વાંકાનેર પ્રાંત સહિતની મહત્વની જગ્યાઓ પર નવા અધિકારીઓની નિમણૂક થઈ છે.

મહેસૂલ વિભાગના સત્તાવાર આદેશ અનુસાર, જામનગર (ગ્રામ્ય)ના પ્રાંત અધિકારી બ્રિજેશ એ. કાલરીયાની બદલી કરવામાં આવી છે અને તેમને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) પૃથ્વીરાજસિંહ એ. ગોહિલને હવે વાંકાનેરના પ્રાંત અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લાના પંચાયત માળખામાં પણ આંતરિક બદલીઓ થઈ છે. કચ્છના મુંદ્રા ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા બી. એચ. ઝાલાની બદલી કરીને તેમને મોરબી જિલ્લાના નવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધી મોરબીમાં નાયબ ડીડીઓ તરીકે ફરજ બજાવતા શૈલેષ સી. ભટ્ટની કચ્છ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ સાગમટે લેવાયેલા નિર્ણયથી મોરબીના સ્થાનિક વહીવટી તંત્રને નવી ગતિ મળવાની સંભાવના છે.

Related News