AAP કચ્છ ઝોન પ્રમુખ સહિત ત્રણ સામે ખંડણી અને લૂંટનો ગુનો, ધરપકડ
Saturday, 30 May 2026 | 10:06 PM

AAP કચ્છ ઝોન પ્રમુખ સહિત ત્રણ સામે ખંડણી અને લૂંટનો ગુનો, ધરપકડ

કચ્છમાં આમ આદમી પાર્ટીના ઝોન પ્રમુખ સંજય બાપટ સહિત ત્રણ જણ સામે ખંડણી અને લૂંટનો ગુનો નોંધાયો. પ્રાગપર પોલીસે કાર્યવાહી કરી ધરપકડ કરી.

AAP કચ્છ ઝોન પ્રમુખ સહિત ત્રણ સામે ખંડણી અને લૂંટનો ગુનો, ધરપકડ
Author image
Kutchh Uday

કચ્છમાં AAP ને ઝટકો, ઝોન પ્રમુખ સંજય બાપટ સહિત ત્રણ ઝડપાયા

કચ્છમાં આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના કચ્છ ઝોન પ્રમુખ સંજય બાપટ સહિત ત્રણ લોકો સામે ખંડણી માંગવી, મારામારી અને લૂંટનો ગુનો નોંધાતા પ્રાગપર પોલીસે ધરપકડ કરી છે. સમગ્ર મામલો મુંદરા તાલુકામાં ધંધાર્થી પાસેથી હપ્તા ઉઘરાવવાના આક્ષેપોથી શરૂ થયો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ફરિયાદ મુજબ મુંદરા નજીક ગુંદાલા વિસ્તારમાં પ્લાસ્ટિકના ખાલી ઓઈલ બેરલ સાફ કરી વેચાણનો વ્યવસાય કરતા આદિપુરના વેપારી અબ્દુલા ગફૂર હાલેપોત્રા પાસે સંજય બાપટે દર મહિને રૂપિયા આપવાની માંગણી કરી હતી. વેપારીએ રૂપિયા આપવાનો ઈન્કાર કરતાં ધમકીઓ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

“ધંધો કરવો હોય તો રૂપિયા આપવા પડશે”

ફરિયાદ મુજબ અબ્દુલાને પહેલાં માણેક ગઢવી નામના શખ્સ મારફતે સંજય બાપટનો સંપર્ક કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બાપટે વેપારીને પોતાની ઓફિસે બોલાવી સીધી ધમકી આપી હતી કે મુંદરા તાલુકામાં ધંધો કરવો હોય તો દર મહિને રૂપિયા આપવા પડશે.

વેપારીએ પોતે કાયદેસર વ્યવસાય કરતો હોવાનું કહી રૂપિયા આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમ છતાં સતત ફોન અને રૂબરૂ મુલાકાતો મારફતે હપ્તાની માંગણી ચાલુ રાખવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.

“ઘરે AC નખાવ્યું છે, પૈસા તારે આપવાના”

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે થોડા દિવસ પહેલાં સંજય બાપટે વેપારીને ફોન કરી પોતાના ઘરે નવું AC લગાવ્યાનું કહી તેની કિંમતના રૂપિયા ચૂકવવા દબાણ કર્યું હતું. વેપારીએ ફરીથી ઈન્કાર કરતાં બાપટે ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી હતી.

આ બાદ બાપટે પોતાના બે સાગરીતોને વેપારીના ધંધાના સ્થળે મોકલ્યા હોવાનો આરોપ છે.

હુમલો અને લૂંટનો આક્ષેપ

વેપારીની ફરિયાદ મુજબ આરીફ કાસમ ખલીફા અને હરિ સુમાર ગઢવી નામના બે લોકો બુલેટ પર ધંધાના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં કામ કરતા કર્મચારીઓ સાથે ઝઘડો અને મારામારી કરવામાં આવી હતી.

આ દરમિયાન કર્મચારી મનોહરસિંહના ખિસ્સામાંથી રૂપિયા કાઢી લેવાયા હોવાનો પણ આરોપ છે. બનાવ દરમિયાન એક આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો જ્યારે આરીફ ખલીફા લોકોને હાથ લાગ્યો હતો.

સ્થળ પર હાજર લોકોએ તેની પાસેથી સંજય બાપટના નામે કબૂલાત કરાવ્યાનો વીડિયો પણ બનાવ્યો હતો. બાદમાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

ત્રણ આરોપીઓની ધરપકડ

પ્રાગપર પોલીસે સંજય બાપટ, માણેક ગઢવી, હરિ ગઢવી અને આરીફ ખલીફા સામે લૂંટ, ખંડણીની માંગણી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ સંજય બાપટ, આરીફ ખલીફા અને માણેક ગઢવીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વધુ તપાસ ચાલુ છે.

બીજી તરફ આરીફ ખલીફાએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેણે દાવો કર્યો છે કે ઓઈલ ચોરીના રેકેટ અંગે વીડિયો બનાવતા સમયે પોતાની સાથે મારામારી કરીને દબાણપૂર્વક ખોટી કબૂલાત કરાવવામાં આવી હતી.

AAP ની ઈમેજ પર ફરી સવાલ

સંજય બાપટ સામે અગાઉ પણ લેન્ડ ગ્રેબિંગ સહિતના આક્ષેપો સામે આવી ચૂક્યા હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે કચ્છમાં આમ આદમી પાર્ટીની છબીને નુકસાન પહોંચ્યાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં શરૂ થઈ છે.

પાર્ટીમાં સ્વચ્છ છબી ધરાવતા નેતાઓ હોવા છતાં ગુનાહિત છબી ધરાવતા લોકોના નામ સામે આવતા સંગઠનની ઈમેજને ફટકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Related News