ગાંધીધામમાં ગટરના પાણીથી હાલાકી, PSL કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રોગચાળાનો ભય
Saturday, 29 Aug 2026 | 03:00 AM

ગાંધીધામમાં ગટરના પાણીથી હાલાકી, PSL કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રોગચાળાનો ભય

ગાંધીધામના PSL કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગટરના દૂષિત પાણીથી કાદવ કીચડની સ્થિતિ સર્જાઈ. કોંગ્રેસની રજૂઆત બાદ ગટર સફાઈ હાથ ધરાઈ.

Author image
Kutchh Uday
gandhidham psl cargo gutter water problem

ગાંધીધામના PSL કાર્ગો વિસ્તારમાં ગંદકીથી લોકો પરેશાન

ગાંધીધામના પી.એસ.એલ. કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગટરના દૂષિત પાણી ગલીઓમાં ફરી વળતાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગટરના પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં કાદવ અને કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે, જેના કારણે લોકોને પગપાળા ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં ઘણા સમયથી ગટરની સમસ્યા યથાવત છે. ગટરના ચેમ્બરો વારંવાર છલકાતા હોવાથી દૂષિત પાણી રસ્તાઓ પર ફરી વળે છે અને દુર્ગંધ ફેલાઈ રહી છે. ગંદકી અને મચ્છરોના વધતા ઉપદ્રવને કારણે રોગચાળાનો ભય પણ ઊભો થયો છે.

આ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો વસવાટ કરે છે. ગંદકીના કારણે લોકોને પોતાના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

સમસ્યાને લઈને નગર કોંગ્રેસના મહામંત્રી લતીફ ખલીફાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને રવિવારે ગટરના ચેમ્બરોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જોકે સ્થાનિકોના મતે માત્ર ગટર સફાઈ પૂરતી નથી. વિસ્તારમાં દવા છંટકાવ અને મચ્છર નિયંત્રણ જેવી કામગીરી પણ તાત્કાલિક કરવી જરૂરી બની છે, જેથી રોગચાળો ફાટી નીકળે તે પહેલાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકે.

સ્થાનિકોએ તંત્ર પાસે ગટર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે, જેથી લોકોને વારંવાર આવી પરેશાનીનો સામનો ન કરવો પડે.

Related News