પુરુષ ઈનફર્ટિલિટી વધતાં IVF ઉદ્યોગમાં તેજી
મીનુએ આ વર્ષે જાન્યુઆરીમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો ત્યારે વંધ્યત્વની લાંબી સારવારનો સુખદ અંત આવ્યાની અનુભૂતિ કરી. પણ આ ખુશી લાંબી ટકી નહીં. તેના પતિ રાહુલ રાઠોડે જણાવ્યું, મારી બહેને કહ્યું કે એક બાળકની આંખો નોર્થ-ઇસ્ટના (ઉત્તર-પૂર્વીય) બાળકો જેવી દેખાય છે......
મીનુએ આ વર્ષે જાન્યુઆરીમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો ત્યારે વંધ્યત્વની લાંબી સારવારનો સુખદ અંત આવ્યાની અનુભૂતિ કરી. પણ આ ખુશી લાંબી ટકી નહીં. તેના પતિ રાહુલ રાઠોડે જણાવ્યું, મારી બહેને કહ્યું કે એક બાળકની આંખો નોર્થ-ઇસ્ટના (ઉત્તર-પૂર્વીય) બાળકો જેવી દેખાય છે. તેણે અમારી મોટી દીકરીના બાળપણના ફોટા સાથે આ બાળકની સરખામણી કરી અને શંકા વધુ ઘેરી બની. દિલ્હીના ગ્રેટર કૈલાશની હોસ્પિટલ દ્વારા ગત એપ્રિલમાં મીનુની આઈવીએફ પ્રક્રિયા કરાઈ હતી. ક્લિનિકે તેમને બાળકના ડીએનએ ટેસ્ટ ન કરાવવા વારંવાર દબાણ કર્યું છતાં તેમણે ટેસ્ટ કરાવ્યો, જેમાં સાબિત થયું કે બાળકો જૈવિક રીતે તેમના નહોતા.
મીનુ કહે છે કે શારીરિક પીડા કરતા માનસિક આઘાત વધુ મોટો છે. જ્યારે પણ હું એ નવ મહિના અને અમારી આશાઓ વિશે વિચારું છું, ત્યારે ભાંગી પડું છું. મને રાતદિવસ એક જ સવાલ સતાવે છે- હું કોના બાળકને મારા ગર્ભમાં ઉછેરી રહી હતી? કોર્ટે મે મહિનામાં ક્લિનિક અને ડૉક્ટર સામે એફઆઈઆરનો આદેશ આપ્યો હતો અને બાળ તસ્કરીની પણ આશંકા વ્યક્ત કરી હતી.
આ ઘટના સોશિયલ મીડિયા અને અખબારોમાં વાયરલ થતાં આઈવીએફ ક્લિનિક્સમાં બનેલી બોગસ પ્રક્રિયાઓ, નબળું રેકોર્ડ-કીપિંગ, ડોનરની અસ્પષ્ટ સંડોવણી અને જવાબદારીના અભાવનો દાવો કરતા અન્ય યુગલોના સંદેશાઓનો રાફડો ફાટ્યો. આવા કિસ્સાઓએ ભારતના ઝડપથી વિકસતા પણ નબળા નિયમનવાળા આઈવીએફ ઉદ્યોગની કાળી બાજુ ઉઘાડી પાડી છે.
માતા-પિતા બનવું દરેક દંપતીનું સપનું હોય છે પણ વંધ્યત્વ (ઈનફર્ટિલિટી) આ સફરમાં મોટો અવરોધ બને છે. ભૂતકાળમાં વંધ્યત્વ માટે સમાજમાં મુખ્યત્વે મહિલાઓને જ જવાબદાર માનવામાં આવતી હતી પણ આધુનિક તબીબી વિજ્ઞાન અને જાગૃતિએ આ માન્યતાને બદલી નાખી છે. આજે પુરુષ વંધ્યત્વના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેના પરિણામે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઈવીએફ) અને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (એઆરટી-આર્ટ) ની માગમાં મોટો ઉછાળો આવ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રજનન ક્લિનિક્સ (ફર્ટિલિટી ક્લિનિક્સ)નું મોટા પાયે વિસ્તરણ થઈ રહ્યું છે પણ તેમાં સ્ત્રી અને પુરુષ બીજની સાથે કરાતાં ચેડાં અનેક દંપતીઓ માટે દુઃસ્વપ્ન સમાન બની ગયા છે.
ભારતમાં પુરુષ વંધ્યત્વના દરમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરના તબીબી અહેવાલો સૂચવે છે કે ભારતના માત્ર પચીસ ટકા (દર ચારમાંથી એક) પુરુષો જ સામાન્ય વીર્યના માપદંડો (નૉર્મલ સીમન પેરામીટર્સ) ધરાવે છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે છેલ્લા ત્રણ દાયકામાં ભારતીય પુરુષોમાં સરેરાશ શુક્રાણુઓની સંખ્યા 60 મિલિયન પ્રતિ મિલીલીટરથી ઘટીને માત્ર 20 મિલિયન પ્રતિ મિલીલીટર થઈ ગઈ છે. કેટલાક અભ્યાસો મુજબ, દક્ષિણ એશિયાના દેશોમાં ભારતમાં પુરુષ વંધ્યત્વના કેસોમાં સૌથી વધુ (લગભગ 58.82 ટકા) વધારો નોંધાયો છે.
આવું કેમ?
શુક્રાણુઓની ઘટતી ગુણવત્તા અને સંખ્યા પાછળ અનેક પરિબળો જવાબદાર છે, જેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય - જીવનશૈલી અને પર્યાવરણીય પરિબળો (સૌથી સામાન્ય અને બદલી શકાય તેવા) તથા તબીબી અને હૉર્મોનલ કારણો. શુક્રાણુઓનું ઉત્પાદન શરીરના સામાન્ય તાપમાન કરતા બેથી ત્રણ ડિગ્રી નીચા તાપમાને શ્રેષ્ઠ રીતે થાય છે. લેપટોપને ખોળામાં રાખીને લાંબો સમય કામ કરવું, ગરમ પાણીથી નહાવું, લાંબા સમય સુધી ડ્રાઇવિંગ કરવું વગેરેથી અંડકોશનું તાપમાન વધે છે, જે શુક્રાણુઓને નુકસાન પહોંચાડે છે. ધૂમપાન અને આલ્કોહોલનું વધુ પડતું સેવન ટેસ્ટોસ્ટેરોન હૉર્મોનનું ઉત્પાદન ઘટાડે છે અને શુક્રાણુઓના ડીએનએને નુકસાન કરે છે. વજન વધવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું રૂપાંતર એસ્ટ્રોજન (સ્ત્રી હૉર્મોન)માં થવા લાગે છે, જે શુક્રાણુઓના ઉત્પાદનને દબાવી દે છે. આધુનિક જીવનશૈલી જાળવવાનો માનસિક તણાવ હૉર્મોનલ અસંતુલન ઊભું કરે છે. પ્રદૂષણ, જંતુનાશકો, લીડ તથા અન્ય રસાયણોનો લાંબા સમય સુધી સંપર્ક પણ પ્રજનન ક્ષમતા ઘટાડે છે. માઇક્રોપ્લાસ્ટિક્સ પણ હૉર્મોન્સના કાર્યમાં ખલેલ પહોંચાડે છે. પુરુષોમાં અંડકોશની નસો ફૂલી જવી વંધ્યત્વનું સૌથી સામાન્ય તબીબી કારણ છે. ડાયાબિટીસ (ખાસ કરીને ટાઇપ 2), થાઇરોઇડની સમસ્યાઓ અને પિટ્યુટરી ગ્રંથિની ખામીઓ, ગુપ્તાંગોના ચેપ અથવા જાતીય સંક્રમિત રોગો ઉપરાંત બૉડીબિલ્ડિંગ માટે લેવાતા એનાબૉલિક સ્ટેરોઇડ્સ, કેન્સરની સારવાર (કીમોથેરાપી) વગેરે જેવા કારણો પુરુષની ફળદ્રુપતાને અસર કરે છે.
જો આ સમસ્યા પર સમયસર ધ્યાન નહીં આપવામાં આવે તો વ્યક્તિગત, સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે ગંભીર પરિણામો આવશે. પ્રજનન દરમાં સતત ઘટાડો ભવિષ્યમાં વૃદ્ધોની વસ્તીમાં વધારો કરી શકે છે, જે અર્થતંત્ર અને સમાજ પર મોટો બોજો નાખશે. વંધ્યત્વને કારણે પુરુષોમાં ડિપ્રેશન, ચિંતા અને લઘુતાગ્રંથિ અનુભવવાનું પ્રમાણ વધશે. સામાજિક અને કૌટુંબિક સંબંધોમાં તણાવ ઊભો થશે. આઈવીએફ અને અન્ય પ્રજનન સારવાર પાછળ મોટો ખર્ચ થશે, જે આર્થિક રીતે નબળા વર્ગ માટે પડકારજનક બનશે.
આઈવીએફ ઉદ્યોગમાં તેજી
ભારતમાં આઈવીએફ ઉદ્યોગ અભૂતપૂર્વ ઝડપે વિકસી રહ્યો છે. આઈવીએફ બજાર હાલમાં ૧.૪ બિલિયન અમેરિકન ડોલરનું છે અને જેમાં ૨,૦૦૦ થી વધુ ક્લિનિક્સ સામેલ છે. દેશમાં હાલ વાર્ષિક આશરે બેથી અઢી લાખ આઈવીએફ સાયકલ કરવામાં આવે છે. આ સંખ્યા ૨૦૩૦ સુધીમાં વધીને લગભગ ચાર લાખ થવાની ધારણા છે અને નાના શહેરો આ વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપશે. અહેવાલો અનુસાર, ભારતીય આઈવીએફ બજાર ૨૦૩૪ સુધીમાં આશરે 4.9 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાની ધારણા છે. બદલાતી જીવનશૈલી અને મોડી ઉંમરે માતા-પિતા બનવાના વલણ વચ્ચે વધુ પુરુષ ફર્ટિલિટી તપાસ માટે આગળ આવી રહ્યા હોવાથી, પુરુષ વંધ્યત્વ ભારતના આસિસ્ટેડ રીપ્રોડક્શન ઉદ્યોગ માટે મુખ્ય ચાલક બળ તરીકે ઉભરી રહ્યું છે.
પ્રજનનક્ષમતા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, વંધ્યત્વના કુલ કેસોમાંથી હવે આશરે 40 થી 50 ટકા કેસોમાં કાં તો સ્વતંત્ર રીતે અથવા મહિલા વંધ્યત્વની સાથે પુરુષ પરિબળો જવાબદાર હોય છે. પહેલાં જ્યારે શુક્રાણુઓની ગુણવત્તા ખૂબ જ નબળી રહેતી ત્યારે પિતા બનવું અશક્ય લાગતું હતું, પણ હવે ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન જેવી અત્યાધુનિક સારવારથી માઇક્રોસ્કોપની મદદથી તંદુરસ્ત શુક્રાણુ પસંદ કરીને તેને સીધું જ સ્ત્રીબીજમાં દાખલ કરવામાં આવે છે, જેનાથી ગર્ભધારણની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. હવે આઈવીએફ સેન્ટર્સમાં પુરુષ પ્રજનનક્ષમતા નિષ્ણાતો (એન્ડ્રોલોજિસ્ટ) ઉપલબ્ધ હોય છે જે ખાસ પુરુષોની સમસ્યાઓનું નિદાન અને સારવાર કરે છે. માત્ર સામાન્ય વીર્ય વિશ્લેષણ જ નહીં પણ સ્પર્મ ફ્રેગમેન્ટેશન અને અલ્ટ્રાસાઉન્ડ જેવા આધુનિક ટેસ્ટ દ્વારા ચોક્કસ સમસ્યાઓ શોધી કાઢવામાં આવે છે. જે પુરુષોને ભવિષ્યમાં પિતા બનવું હોય અથવા જેઓ કેન્સર જેવી બીમારીની સારવાર લેવાના હોય, તેમના માટે શુક્રાણુ ફ્રીઝ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સૌથી મહત્ત્વનું વંધ્યત્વ પુરુષો માટે ભાવનાત્મક રીતે પડકારજનક હોઈ શકે છે. તેથી, ક્લિનિક્સ હવે ખાસ કાઉન્સેલિંગ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ સેશન્સ પણ પ્રદાન કરે છે.
જોકે, આ ઉદ્યોગની વૃદ્ધિની સાથે જ એમ્બ્રીયો (ભ્રૂણ)ની અદલાબદલી (એમ્બ્રીયો સ્વેપિંગ) અને નિયમનકારી ચેતવણીઓ છતાં ચાલતા ક્લિનિક્સના આક્ષેપોમાં વધારો થયો છે, જે આઈવીએફ ઉદ્યોગની કાળી બાજુ ખુલ્લી પાડે છે. આ ક્ષેત્રમાં વ્યવસ્થા લાવવા માટે 2021 માં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (આર્ટ) એક્ટ લાવવામાં આવ્યો હોવા છતાં દિલ્હી અને ગુરુગ્રામના કેટલાક ફર્ટિલિટી ક્લિનિક્સ, જેની અરજીઓ નેશનલ આર્ટ અને સરોગસી રજિસ્ટ્રી દ્વારા નકારી કાઢવામાં આવી હતી, તે હજુ પણ કાર્યરત છે. આ ક્લિનિક્સમાં રજિસ્ટ્રેશન અંગે પૂછવામાં આવતા મૂંઝવણભર્યા અને ઉડાઉ જવાબો મળે છે તથા ડૉક્ટર્સ કે મેનેજમેન્ટ સાથે વાત કરવાનો સતત ઇનકાર કરવામાં આવે છે. સૌથી સામાન્ય ગેરરીતિ એમ્બ્રીયો સ્વેપિંગ (ગર્ભની અદલાબદલી)ની છે, કારણ કે ફર્ટિલિટી સેન્ટર્સ મોટાભાગે આ બાબતનો યોગ્ય રેકોર્ડ જાળવતા નથી. યુગલો ક્લિનિક્સની મંજૂરી સાથે ડેટા પસંદ કરે છે જે આર્ટ કાયદાની વિરુદ્ધ છે.
આજે લગભગ દરેક મોટા શહેરોમાં આઈવીએફ ક્લિનિક્સની જાહેરાતો ઓટો-રિક્ષા, રસ્તાની બાજુની દીવાલો અને બિલબોર્ડ્સ પર છવાઈ ગઈ છે, જે સસ્તા આઈવીએફ પેકેજ, ‘સફળતાની ગેરંટી’ અને માતાપિતા બનવાના સપના પૂરા કરવાના વચનો આપે છે. ક્લિનિક્સની અંદર, કાઉન્સેલિંગ વધુ વ્યક્તિગત બની જાય છે પણ આ બધી વાતોમાંથી પુરુષો ગાયબ હોય છે. વંધ્યત્વ પતિ-પત્ની બંનેને અસર કરતું હોવા છતાં, લગભગ દરેક જાહેરાત અને કાઉન્સેલિંગમાં સ્ત્રીને જ સમસ્યા અને ઉકેલ બંને તરીકે દર્શાવવામાં આવે છે. માગને કારણે આ ઉદ્યોગ ઝડપથી વિકસ્યો છે, ઝીરો-ઈન્ટરેસ્ટ ઈએમઆઈ જેવી સ્કીમ્સ અપાય છે તથા ગાયનેકોલોજિસ્ટ કે યુરોલોજિસ્ટ પણ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ બની ગયા છે. કાયદા મુજબ ક્લિનિકે દર્દીને પ્રક્રિયા, જોખમો અને ખર્ચ વિશે અગાઉથી માહિતગાર કરવાના હોય છે પણ આવું થતું નથી.
હરિયાણામાં ચાલતા આઈવીએફ ક્લિનિક્સ 100 ટકા છોકરો જ આવવાની ગેરંટી આપે છે અને માતા-પિતાને ખબર પણ નથી હોતી કે આ માટે કોના શુક્રાણુ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરિવારો પણ પૂછતા નથી કારણ કે તેઓ દીકરો મળવાથી ખુશ હોય છે.
ભારત વિશ્વભરના દર્દીઓ માટે આઈવીએફ સારવારનું પસંદગીનું સ્થળ બની ગયું છે. વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં ખૂબ જ સ્પર્ધાત્મક કિંમતે (અંદાજે દોઢથી બે લાખ રૂપિયા પ્રતિ સાયકલ) ઉચ્ચ ગુણવત્તાવાળી અને વિશ્વસનીય આઈવીએફ સારવાર ઉપલબ્ધ છે. વળી મેટ્રો શહેરોની સાથે હવે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પણ અદ્યતન ફર્ટિલિટી ક્લિનિક્સ ખૂલી રહ્યા છે. લોકોમાં વંધ્યત્વ વિશેની જાગૃતિ વધી રહી છે અને સામાજિક ખચકાટ ઓછો થઈ રહ્યો છે, જેથી વધુ દંપતી સારવાર માટે આગળ આવી રહ્યા છે. ત્યારે ફર્ટિલિટી ક્લિનિક્સે માત્ર પૈસા કમાવવાની નેમ રાખવાને બદલે વિશ્વસનીય સર્વિસ પૂરી પાડવાની ફરજ બજાવવી અત્યંત જરૂરી બની જાય છે.
- ભાવના જોશી