મોરબીના ટંકારામાં 17 ઓગસ્ટે 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી, 'એક પેડ માઁ કે નામ' થીમ પર યોજાશે કાર્યક્રમ
મોરબી જિલ્લા પંચાયત અને વન વિભાગ દ્વારા ટંકારાની આર્ય વિદ્યાલય ખાતે 17 ઓગસ્ટે 77મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં 'એક પેડ માઁ કે નામ' થીમ હેઠળ કાર્યક્રમ યોજાશે.
ટંકારા : પર્યાવરણના જતન અને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ લાવવા મોરબી જિલ્લા પંચાયત અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારામાં આવેલી આર્ય વિદ્યાલય ખાતે આગામી 17 ઓગસ્ટ 2026 અને સોમવારના રોજ સવારે 10 કલાકે આ કાર્યક્રમ યોજાશે. આ વર્ષે વન મહોત્સવની ઉજવણી "એક પેડ માઁ કે નામ" થીમ હેઠળ કરવામાં આવનાર છે.
આ પર્યાવરણલક્ષી કાર્યક્રમમાં રાજ્યના મંત્રી કાંતિલાલ અમૃતિયા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે. તેમની સાથે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન ડોબરિયા પણ હાજર રહેશે. વિશેષ અતિથિ તરીકે સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, પરસોત્તમભાઈ રૂપાલા, કેસરીદેવસિંહ ઝાલા, પૂનમબેન માડમ અને ચંદુભાઈ શિહોરા સહભાગી થશે. સ્થાનિક ધારાસભ્યો જીતેન્દ્રભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા તથા મેઘજીભાઈ ચાવડા સહિતના મહાનુભાવો પણ મંચ પર ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારશે.
સવારે 10 વાગ્યે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને વન મહોત્સવની સત્તાવાર શરૂઆત કરવામાં આવશે. સ્વાગત ગીત દ્વારા અતિથિઓનું શાબ્દિક સ્વાગત અને સન્માન થશે. મહાનુભાવોના પ્રાસંગિક ઉદ્બોધન બાદ અંતિમ ચરણમાં મંચસ્થ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે. સાથે જ પર્યાવરણનો સંદેશ આપતા વૃક્ષરથનું પ્રસ્થાન પણ કરાવવામાં આવશે. વન વિભાગ દ્વારા જિલ્લાના નાગરિકોને આ હરિત કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.