કચ્છના નિવૃત્ત જવાનને મળ્યો ન્યાય, બેંકે સ્વીકારી ભૂલ
Monday, 17 Aug 2026 | 11:01 AM

કચ્છના નિવૃત્ત જવાનને મળ્યો ન્યાય, બેંકે સ્વીકારી ભૂલ

ભુજમાં નિવૃત્ત આર્મી જવાનને ઓછી પેન્શન મળવાના મામલે પ્રી-લિટિગેશન મધ્યસ્થતા દ્વારા ઝડપી ઉકેલ આવ્યો. બેંકે ભૂલ સ્વીકારી બાકી રકમ જમા કરવાની ખાતરી આપી.

Author image
Kutchh Uday
bhuj retired army jawan pension dispute solved

ભુજ ખાતે એક નિવૃત્ત આર્મી જવાનને યોગ્ય કાનૂની માર્ગદર્શન અને પ્રી-લિટિગેશન મધ્યસ્થતાના કારણે ઝડપથી ન્યાય મળ્યો છે. વર્ષો સુધી દેશની સરહદોની સુરક્ષા કર્યા બાદ નિવૃત્ત જીવન જીવતા આ માજી સૈનિકને પેન્શન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, નિવૃત્ત જવાનનું માસિક પેન્શન સાતમા પગાર પંચ મુજબ ભુજ સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં આવેલા ખાતામાં જમા થતું હતું. કેન્દ્ર સરકારની ‘વન નેશન - વન પેન્શન’ યોજના હેઠળ વર્ષ 2024થી પેન્શનમાં વધારો અમલમાં આવ્યો હતો, પરંતુ બેંકની ટેકનિકલ ખામી અથવા બેદરકારીને કારણે વધારેલી પેન્શન રકમ જવાનના ખાતામાં જમા થતી ન હતી.

સમસ્યાનો લાંબા સમય સુધી ઉકેલ ન મળતા નિવૃત્ત જવાને ભુજના બહુમાળી ભવન ખાતે આવેલી જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ કચેરીનો સંપર્ક કર્યો હતો. અહીં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA), નવી દિલ્હી હેઠળ ચાલી રહેલી ‘વીર પરિવાર સહાયતા યોજના’ અંતર્ગત સૈનિકોને કાનૂની સહાય માટે નિયુક્ત વકીલ સાથે તેમની મુલાકાત થઈ હતી.

ત્યારબાદ મામલો પ્રી-લિટિગેશન હેઠળ મધ્યસ્થતા કેન્દ્રમાં રજૂ કરવામાં આવ્યો હતો. મધ્યસ્થતા કેન્દ્ર દ્વારા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવી હતી. બેંકના મેનેજર ભુજ મધ્યસ્થતા કેન્દ્ર ખાતે હાજર રહ્યા હતા અને બંને પક્ષ વચ્ચે ચર્ચા હાથ ધરાઈ હતી.

ચર્ચા દરમિયાન બેંક મેનેજરે સરકારના વર્ષ 2024ના નવા નિયમો મુજબ બેંક તરફથી થયેલી ભૂલ સ્વીકારી હતી. સાથે જ તેમણે સ્થળ પર જ નિવૃત્ત જવાનની સમસ્યાનો સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

બેંક દ્વારા જવાનના ખાતામાં વધારેલી પેન્શન રકમ તાત્કાલિક જમા કરવાની તેમજ અત્યાર સુધીની બાકી રહેલી પેન્શનની ગણતરી કરીને ટૂંક સમયમાં જ રકમ જમા કરવામાં આવશે તેવી મૌખિક ખાતરી આપવામાં આવી હતી.

આ સમગ્ર મામલાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે યોગ્ય કાનૂની માર્ગદર્શન અને મધ્યસ્થતા પ્રક્રિયા દ્વારા સામાન્ય નાગરિકોને કોર્ટ કેસ વગર પણ ઝડપથી ન્યાય મળી શકે છે.

Related News