કચ્છમાં ડીઝલ સંકટ ગહેરાયું, પેટ્રોલ પંપો પર લાંબી કતારો
કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની અછત ગંભીર બની છે. પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી રહી છે, જેના કારણે ખેડૂતો, પરિવહન અને ઉદ્યોગોને ભારે અસર પડી રહી છે.
કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલ માટે હાહાકાર
કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાતા સામાન્ય જનજીવન તેમજ ઉદ્યોગ વ્યવસ્થા પર તેની સીધી અસર જોવા મળી રહી છે. જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર ડીઝલ ભરાવવા માટે વાહનોની લાંબી કતારો લાગી રહી છે, જેના કારણે ખેડૂતો, નાના વાહનચાલકો અને ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે.
સફેદ માટી માટે જાણીતા પદ્ધર, મમુઆરા, નાડાપા અને ડગાળા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોડર, ડમ્પર અને ટ્રકો માલ પરિવહન સાથે સંકળાયેલા હોવાથી અહીં ડીઝલની માંગ અચાનક વધી ગઈ છે. પરિણામે ધાણેટીથી કનૈયાબે તેમજ ભુજ-ભચાઉ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર કલાકો સુધી વાહનચાલકોને રાહ જોવી પડી રહી છે.
પરિવહન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેવાને કારણે માલ સપ્લાયમાં વિલંબ થઈ રહ્યો છે. ખાસ કરીને ઉદ્યોગો માટે કાચામાલ અને તૈયાર માલના પરિવહન પર અસર પડતા ઉત્પાદન પ્રક્રિયા પણ ધીમી પડી રહી છે.
ખેડૂતો માટે વધી મુશ્કેલી
બીજી તરફ કોટડા-ચકાર પંથકમાં ખેડૂતો પણ ડીઝલની અછતને કારણે પરેશાન બન્યા છે. ખેતી માટે જરૂરી મશીનરી અને વાહનો ચલાવવા ડીઝલ જરૂરી હોવાથી ખેડૂતો વહેલી સવારથી જ કેરબા લઈને પેટ્રોલ પંપો પર પહોંચી રહ્યા છે.
કોટડા-કુકમા રોડ પર આવેલા પેટ્રોલ પંપો પાસે ડીઝલ માટે ખેડૂતોની લાઈનો સામાન્ય દૃશ્ય બની ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે, ખેતીની સિઝન દરમિયાન ડીઝલ ન મળવાથી ખેતીકામ પ્રભાવિત થઈ શકે છે.
ઉદ્યોગકારોમાં ચિંતા
સ્થાનિક ફેક્ટરી માલિકોએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હાલ પહેલાથી જ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં જો ડીઝલની અછત લાંબા સમય સુધી યથાવત રહેશે તો નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે, પરિવહનમાં વિલંબ થવાથી ઉત્પાદન અને સપ્લાય ચેઇન બંને પર ગંભીર અસર પડી રહી છે, જેના કારણે વેપારિક ગતિવિધિઓ ધીમી બની રહી છે.
સરકાર પાસે સ્થાયી ઉકેલની માંગ
માધાપર પંચાયતના પૂર્વ સદસ્ય રૂપમ વરૂએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે કચ્છ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછતની સમસ્યા હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. સમયસર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.
તેમણે રાજ્ય સરકારને કચ્છ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ ઊર્જા ફાળવણીમાં વિશેષ દરજ્જો આપવા માંગ કરી છે, જેથી જિલ્લામાં પૂરતો પુરવઠો મળી રહે અને ઉદ્યોગો, વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.