કચ્છના વારસાને ઉજાગર કરતો `કલાવીથિ 2026' ઉત્સવ પૂર્ણ
Saturday, 29 Aug 2026 | 03:01 AM

કચ્છના વારસાને ઉજાગર કરતો `કલાવીથિ 2026' ઉત્સવ પૂર્ણ

ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી અને કચ્છ મ્યુઝિયમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા `કલાવીથિ 2026' ઉત્સવમાં કલા, સંસ્કૃતિ અને વારસાની અનોખી ઝલક જોવા મળી.

Author image
Kutchh Uday
kalavithi 2026 kutch museum bhuj

ભુજ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી અને કચ્છ મ્યુઝિયમના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ `કલાવીથિ 2026'નો સફળ સમાપન થયો હતો. આ ઉત્સવે કલાપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને યુવાનોને કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને કલાત્મક વારસાથી નજીકથી પરિચિત કરાવ્યા હતા.

ઉત્સવના અંતિમ દિવસે `આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ' નિમિત્તે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન યોજાયેલા લાઈવ પ્રિન્ટમેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન મુલાકાતીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિવિધ કલાકારો દ્વારા પ્રિન્ટમેકિંગની જીવંત પ્રક્રિયાનું પ્રદર્શન કરવામાં આવતા ઉપસ્થિતોએ ઉત્સાહભેર નિહાળ્યું હતું.

સમાપન સમારોહમાં વિઝ્યુઅલ આર્ટ વિભાગના પ્રો. સોની, પુરાતત્વ વિભાગના અધિકારી જયપાલાસિંહ જાડેજા તથા ધવલ દવે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને કલા ક્ષેત્રમાં સર્જનાત્મકતા સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. સાથે જ ભવિષ્યમાં કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક યુવાનોને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો હતો.

કાર્યક્રમના અંતિમ સત્રમાં કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર ડો. મહેન્દ્રસિંહ સુરેલાએ મહેમાનો, કલાકારો, સ્વયંસેવકો અને સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક કલાકારો અને પરંપરાગત કલાને પ્રોત્સાહન મળે તે માટે કચ્છ મ્યુઝિયમમાં આવનારા સમયમાં પણ આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

ત્રણ દિવસ સુધી ઉત્સવમાં સક્રિય ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને સહભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. `કલાવીથિ 2026' ઉત્સવે કચ્છની કલા અને વારસાને નવા માધ્યમ દ્વારા જનસમુદાય સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Related News