ભુજમાં ‘સમયોગા-એડિશન 2’ શાત્રીય નૃત્ય મહોત્સવ યોજાયો
ભુજમાં અદ્વ્યા દ્વારા આયોજિત ‘સમયોગા-એડિશન 2’ શાત્રીય નૃત્ય મહોત્સવમાં ચેન્નાઇની અંજલિ હરિહરન સહિત અનેક કલાકારોએ ભાગ લીધો અને અભિનય-મૂવમેન્ટ વર્કશોપ યોજાઈ.
ભુજમાં શાત્રીય કલા અને સંસ્કૃતિનો રંગ જામ્યો
ભુજ ખાતે અદ્વ્યા દ્વારા તાજેતરમાં ત્રણ દિવસીય `સમયોગા-એડિશન 2' શાત્રીય નૃત્ય મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય શાત્રીય કલા, સંસ્કૃતિ અને અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ મહોત્સવે કચ્છ સહિત રાજ્યભરના કલા રસિકોને એક મંચ પર એકત્રિત કર્યા હતા.
આ મહોત્સવમાં અંદાજે 40 જેટલા કલાકારો વર્કશોપ અને વિવિધ નૃત્ય પ્રસ્તુતિઓમાં જોડાયા હતા. અમદાવાદ, વડોદરા, અંજાર અને માંડવી સહિત વિવિધ શહેરોમાંથી કલાકારો અને કલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંજલિ હરિહરનના માર્ગદર્શન હેઠળ વર્કશોપ
મહોત્સવ દરમિયાન `અભિનય અને મૂવમેન્ટ' વિષય પર વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેન્નાઇથી આવેલા વિદૂષી અંજલિ હરિહરન દ્વારા વર્કશોપનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમણે અભિનયની સુક્ષ્મતા, સાત્ત્વિક ભાવ, પૌરાણિક પાત્રોની રજૂઆત અને અભિવ્યક્તિના વિવિધ સ્તરો અંગે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. વર્કશોપમાં જોડાયેલા કલાકારોને શાત્રીય અભિનયની બારીકીઓ સમજવા માટે જીવંત ઉદાહરણો પણ આપવામાં આવ્યા હતા.
સમાપન કાર્યક્રમમાં મનમોહક પ્રસ્તુતિઓ
ભુજ ટાઉનહોલ ખાતે યોજાયેલા સમાપન કાર્યક્રમમાં વિવિધ શાત્રીય અને સર્જનાત્મક નૃત્ય પ્રસ્તુતિઓએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
દેવાંશી સોમપુરાના એકલ નૃત્ય તેમજ `માડી તારું કંકુ ખર્યું' પ્રસ્તુતિને ખાસ પ્રશંસા મળી હતી. ઉપરાંત અંજલિ હરિહરન દ્વારા રજૂ કરાયેલ મીરા ભજનની અભિવ્યક્તિએ સમગ્ર હોલને ભાવવિભોર બનાવી દીધો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઇ પટેલ, યૂથ ડેવલપમેન્ટ અધિકારી દેવાંશી ગઢવી અને સંગીતકાર કીર્તિભાઇ વરસાણી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કપિલ ગોસ્વામીએ કર્યું હતું.
કચ્છમાં શાત્રીય કલાઓ માટે અર્થપૂર્ણ પહેલ
`સમયોગા'નો મુખ્ય હેતુ કચ્છમાં શાત્રીય કલા અને સંસ્કૃતિ માટે એક મજબૂત અને અર્થપૂર્ણ મંચ ઊભું કરવાનો છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા કલાકારો, વિદ્યાર્થીઓ અને કલારસિકોને સાથે આવી ભારતીય કલાની સમૃદ્ધ પરંપરાનો અનુભવ કરવાનો અવસર મળે છે.
આ મહોત્સવે કચ્છમાં શાત્રીય કલાપ્રત્યે વધતી જાગૃતિ અને રસને વધુ મજબૂત બનાવ્યો હોવાનું કલા વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે.